ધોરણ : ૧૨ સાયન્સ, જામનગર જીલ્લાનું ૮૦.૮૮ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનું ૭૫.૬૭ ટકા પરિણામ


ધ્રોલ કેન્દ્ર સતત બીજા વર્ષે રાજ્યમાં અવલ્લ

જામનગર : રવિવારે સવારે રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. રાજ્યમાં ૭૧.૩૪ ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. રાજ્યના કુલ ૧૩૯ કેન્દ્ર પૈકી જામનગર જીલ્લાના ધ્રોલ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ રહ્યું છે. સતત બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ ક્રમે રહેલ ધ્રોલ કેન્દ્રનું પરિણામ ૯૧.૪૨ ટકા જાહેર થયું છે. જયારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું રહ્યું છે. હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનું અનુક્રમે ૮૦.૮૮ અને ૭૫.૬૭ ટકા પરિણામ આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સતાવાર રીતે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. રાજ્યમાં ૧૩૯ કેન્દ્ર પર ૧,૧૬,૪૯૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૮૩૧૧૧ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા રાજ્યનું કુલ પરિણામ ૭૧.૩૪ ટકા રહ્યું છે. રાજ્યમાં જામનગર જીલ્લાનું ધ્રોલ કેન્દ્ર સતત બીજા વર્ષે પરિણામની ટકાવારીમાં પ્રથમ નંબરે રહ્યું છે. જયારે જિલ્લાઓમાં રાજકોટ જિલ્લાએ બાજી મારી છે જેમાં ૮૪.૬૯ ટકા સાથે સતત બીજા વર્ષે રાજકોટ જીલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે.વાત જામનગર જીલ્લાની કરવામાં આવે તો જીલ્લામાં કુલ ૨૧૧૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૪૦૭ વિદ્યાર્થીઓને બાદ કરતા તમામને ઉતીર્ણ જાહેર કરાયા છે. જેમાં ૨ વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ, ૬૯ વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ, ૨૫૦ વિદ્યાર્થીઓને બી વન ગ્રેડ, ૪૧૪ વિદ્યાર્થીઓને બી ટુ ગ્રેડ, ૫૧૭ વિદ્યાર્થીઓને સી વન, ૪૦૦ વિદ્યાર્થીઓને સી ટુ, ૫૬ વિદ્યાર્થીઓને ડી અને ૧ વિદ્યાર્થીઓને ઈ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. જીલ્લાનું કુલ પરિણામ ૮૦.૮૮ ટકા જાહેર કરાયું છે. જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરવામાં આવે તો કુલ ૪૪૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એક પણ વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો નથી. જયારે ૩ વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ, ૨૨ વિદ્યાર્થીઓને બી વન ગ્રેડ, ૭૬  વિદ્યાર્થીઓને બી ટુ ગ્રેડ, ૧૨૮ વિદ્યાર્થીઓને સી વન, ૧૦૧ વિદ્યાર્થીઓને સી ટુ, ૯ વિદ્યાર્થીઓને ડી અને ઈ વન ગ્રેડમાં એક પણ વિદ્યાર્થીનો સમાવેશ થતો નથી. જયારે ૧૦૯ વિદ્યાર્થીઓને પૂર્ણતા સિદ્ધ કરવાની જરૂરિયાત હોવાનું જાહેર કરાયું છે.

Comments