ચાર શેઢા વચ્ચે રહેનાર માતા-પિતાની લાડલીઓએ આ રીતે સપના સાચા કર્યા
જામનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૨નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. અનેક વાલીઓએ સેવેલ સપનાઓને શાકાર કરી અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ સાબિતી આપી દીધી છે કે આવતી કાલ પોતાની છે. સામાજિક અને શૈક્ષણિક રીતે સાવ સામાન્ય પરિવારમાંથી આવતા અનેક બાળકોએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક એવું શૈક્ષણિક સંકુલ છે જ્યા સતત બે વર્ષથી દીકરીઓએ એવી નામના પ્રાપ્ત કરી અન્ય સમાજને નવો રાહ ચીંધ્યો છે.
ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના વિદ્યાર્થીઓનો દેખાવ પ્રભાવક કહી શકાય, કારણ કે જીલ્લાનું પરિણામ ૭૫.૬૭ ટકા આવ્યું છે. જીલ્લામાં કુલ ૪૪૮ વિધ્યાથીઓ માંથી ૩૪૧ વિદ્યાથીઓ પાસ થયા છે. આ પ્રમાણે દ્વારકા જીલ્લો રાજ્યમાં બારમાં ક્રમે છે, જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે દ્વારકા રોડ પર આવેલ શ્રી આહીર ક્ન્યા છાત્રાલયની વિજ્ઞાન પ્રવાહમાં ૮૮ ટકા પરિણામ સાથે દીકરીઓએ જબરી સફળતા મેળવી છે. આ જ સંકુલમાં રહી ધોરણ ૧૦માં પણ જીલ્લામાં ટોપ રહેલ દીકરી વરવાણોટીયા જશુબેન રૂઘાભાઈએ આ વખતે પણ ટોપર તરીકે પોતાની સિદ્ધિ જાળવી રાખી છે. કુ. જશુએ ૯૯.૯૮ પીઆર સાથે જીલ્લામાં ફરી સાબિત કરી દીધું છે કે સફળતા કોઈની જાગીર નથી. યોગ્ય દિશામાં, પ્લાનિંગથી મહેનત કરી ચોક્કસ ગોલને નક્કી કરી લેવામાં આવે તો સફળતા દરવાજે દસ્તક દેશે જ, એ રીતે શાળામાં બીજા નંબરે રહેલ અંકિતા વજશીભાઈ કરમુરે પણ ૯૬.૪૯ પીઆર મેળવી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. જયારે ત્રીજા ક્રમાકે રહેલ ગીતા હેભાભાઈ બોદરે ૯૪.૨૧ પીઆર મેળવી સાબિત કરી દીધું છે કે સેવેલ સપના ચોક્કસ સાકાર થઇ શકે જો યોગ્ય દિશામાં કેળવણીને ઢાળવામાં આવે તો, આ ત્રણેય દીકરીઓએ એક માત્ર આહીર સમાજ નહી પણ સમાજના તમામ સામાન્ય પરિવારના બાળકો માટે નવો રાહ ચીંધ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયામાં આવેલ આહીર કન્યા શૈક્ષણિક સંકુલની હેમતભાઈ રામભાઈ માડમ સાયન્સ સ્કુલની ૨૫ માંથી ૨૨ વિદ્યાર્થીનીઓએ સાયન્સ ટર્મ સફળતા પૂર્વક પાસ કરી આહીર સમાજની સાથે જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. ટોપર રહેલ જશુ રાજ્યમાં બારમાં નંબરે ઉતીર્ણ થઇ હોવાનું સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી વીએચ કનારાએ જણાવી ઉમેર્યું હતું કે તમામ ઉતીર્ણ થયેલ દીકરીઓ સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે. એટલે કહી સકાય કે બાળકોને યોગ્ય કેળવણી આપવામાં આવે તો ચોક્કસ સફળતા મળી શકે છે. દીકરીઓની સફળતા ને બિરદાવી શ્રી કનારાએ આહીર સમાજના દાતાઓ, કેળવણીકારો અને ટ્રસ્ટી મંડળની મહેનતને વધાવી લીધી છે. શાળાના મુખ્ય દાતા અને ટ્રસ્ટી એવા સાંસદ અને ટ્રસ્ટી શ્રી પુનમબેન માડમ, સંસ્થાના પ્રમુખ ડોક્ટર શ્રી રણમલભાઈ વારોતરીયા અને યુવા ટ્રસ્ટી શ્રી રાજુભાઈ કોઠીયા સહિતના ટ્રસ્ટી મંડળે દીકરીઓને શુભેરછા પાઠવી છે.




Comments
Post a Comment