ના હોય : 66 વર્ષના વૃદ્ધએ 65 વર્ષના વૃદ્ધાનો હાથ પકડી લીધો, પછી થયું આવું
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં દાદર મારફતે નીચે ઉતરી રહેલા 65 વર્ષના વૃદ્ધાનો હાથ પકડી 66 વર્ષના વૃદ્વે મકાનમાં ખેંચવાનો પ્રયાસ કરતા વૃદ્ધા હેબતાઈ ગઈ હતી. તેણીએ બુમરાણ મચાવતાં એપાર્ટમેન્ટના લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે ફતેગંજ પોલીસે વૃદ્ધની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં 65 વર્ષના નિવૃત શિક્ષિકા રહે છે. તેઓના પતિનું વર્ષ 2006માં નિધન થવાથી તેઓ એકલવાયું જીવન ગુજારે છે.
મંગળવારે તેઓ મેડિકલ રિપોર્ટ લેવા માટે ફતેગંજ રોડ તરફ જઈ રહ્યા હતા. એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે ઊતરતી વેળાએ પહેલા માળે રહેતા 66 વર્ષના વૃદ્ધ આશિષ તારકસે તેમનો હાથ પકડી લીધો હતો. વૃદ્ધા કઈ સમજે તે પહેલા જ આશિષ તારકસે તેમને ઘરમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હેબતાઈ ગયેલા વૃદ્ધાએ તેમનો હાથ છોડાવી બુમરાણ મચાવતા એપાર્ટમેન્ટના લોકો એકત્ર થઇ ગયા હતા. ઘટના અંગેની જાણ ફતેગંજ પોલીસને થતાં પોલીસ એપાર્ટમેન્ટ ખાતે દોડી આવી હતી.
પોલીસે વૃદ્ધાને ફરિયાદના આધારે આશિષ તારકસ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો. વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે આશિષ તારકસ એપાર્ટમેન્ટમાં ટેરેસ પર જઈ અવારનવાર ઘરમાં કામ કરતા વૃદ્ધાને ગંદા ઈશારા કરતો હતો અને અસભ્ય વર્તન કરી તું મારા ઘરમાં કેમ નથી આવતી તેમ કહી હેરાન-પરેશાન કરતો હતો.
તદુપરાંત વૃદ્ધા જ્યારે પણ બહાર જાય ત્યારે આશિષ તારકસ બાઈક લઈને પીછો કરતો અને મારા બાઈક પાછળ બેસી જા તેમ કહી છેડતી કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આશિષ એડવોકેટ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. ફતેગંજ પોલીસના જણાવ્યા અનુસાર એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ તારકસ વિરુદ્ધ વર્ષ 2018માં વૃદ્ધાએ મારામારીની ફરિયાદ નોંધાવી હતી.
Comments
Post a Comment