જો અને તો : તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ ફેબ્રુઆરીમાં જ યોજાશે

 


ગુજરાતમાં ભાજપની સરકારમાં હવે કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં આવે કે ન તો મંત્રીમંડળમાં વિસ્તરણની કોઇ શક્યતા જણાય છે. હવે ગુજરાત ભાજપ અને રાજ્ય સરકાર વિધાનસભાના વહેલા વિસર્જનના મૂડમાં છે. હાલ ગુજરાતમાં ચાલી રહેલાં રાજકીય પ્રવાહોને લઇને ગુજરાતમાં ચૂંટણીઓ વહેલી આવી શકે છે.

 ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચૂંટણીઓ ઉત્તરપ્રદેશમાં આવી રહેલી ચૂંટણીની સાથોસાથ જ યોજાઇ શકે છે. આ જોતાં ગુજરાતમાં વર્તમાન સરકાર રાજીનામું આપીને આવતાં ફેબ્રુઆરી માર્ચ મહિનામાં વિધાનસભાની ચૂંટણી સમય કરતાં સાત કે આઠ મહિના વહેલી યોજાઇ શકે છે. આ કરવા માટેના રાજકીયથી માંડીને પક્ષના આંતરિક કારણો પણ જવાબદાર છે. તે સિવાય ઉત્તરપ્રદેશમાં ભાજપના પરિણામ સારાં ન આવે તો ગુજરાત પર પણ અસર પડી શકે.

 હાલ ભાજપ જે રીતે ચૂંટણી માટેની તૈયારી કરી રહ્યું છે તે તે મુજબની છે કે છ મહિનાના સમય પછી તરત જ ચૂંટણી જાહેર થઇ જશે. આમ તો ભાજપ ચૂંટણી માટેની તૈયારીઓ એક વર્ષ કે વધુ સમય પહેલા કરતું હોય છે, પરંતુ આ વખતે થોડુંક ચિત્ર અલગ છે. ચૂંટણીના સંદર્ભે અનેક નેતાઓને પ્રવાસ કરવાથી માંડીને સર્વે સહિતની તમામ કામગીરી પણ સોંપાઇ ગઇ છે.

પ્રમુખ સી આર પાટીલનું પેજપ્રમુખ મોડેલ અસરકારક જણાયું નથી અને પક્ષના કાર્યકરોમાં અસંતોષ હોવાથી આ કાર્યકરો જે પેજપ્રમુખ તરીકે નિમાયાં છે તેમની કામગીરીમાં કચાશ રહી જાય તો પાર્ટીના તમામ ગણિતો ખોટાં પડી જાય તેવી વકી છે.

 2002ના વર્ષમાં ગુજરાત રમખાણો બાદ થોડાં સમયમાં વિધાનસભાનું વિસર્જન કરી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી ડિસેમ્બરમાં કરાવી દીધી હતી, જે આઠ મહિના વહેલી હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને પ્રશ્નો ઉઠ્યાં હતાં પણ તેમાં ભાજપને હિન્દુત્વની લહેરનો લાભ મળ્યો હતો.

2022ની ચૂંટણી પછી ગુજરાતમાં મુખ્યમંત્રીથી માંડીને મંત્રીમંડળમાં મોટા ફેરફારો આવી શકે છે. ભાજપ અત્યારથી જ આ તમામ ચહેરાઓ અંગે વિચારણા કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ભાજપ 2022ની ચૂંટણી મુખ્યમંત્રીના ચહેરા વિના જ લડવાના મૂડમાં છે.

ગુજરાતમાં ગત જૂન મહિનાથી જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં મિશન 150 પાર પાડવા સંગઠનમાં ફેરફારો કરવાથી લઈ જનતા સુધી જવા માટે કાર્યકરો અને આગેવાનોને આદેશો કરી રહ્યો છે. જ્યારે પ્રદેશ પ્રમુખ પાટીલ પણ સંગઠનને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગરૂપે બુધવારે મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.દીપિકાબેન સરડવા દ્વારા મહિલા મોરચાના પ્રદેશ કારોબારી,પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા કુલ 162 સભ્યોની પ્રદેશ કારોબારી જાહેર કરવામાં આવી છે.

 


Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે