જામનગર : વતન પહોચેલા શ્રમિકોએ તંત્ર પર કરી પ્રસંશાના પુષ્પોની વર્ષા
કોરોના સંક્રમણ સામે દેશ ઝઝૂમી રહ્યો છે. સરકાર, પ્રશાસન અને નાગરિકો તમામ વૈશ્વિક મહામારી સામે જંગ લડી રહ્યા છે. છેલ્લા બે માસ ઉપરાંતથી આ મહામારીને નાથવા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. એક થી ત્રણ તબક્કાના લોકડાઉન દરમિયાન દેશભરમાં તમામ રોજગાર-ધંધા અને જનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. આ સ્થિતિને તમામ વર્ગને નકારત્મ અસર થઇ હતી. જેમાં જામનગર શહેર સહિત રાજ્યભરમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોમાં વધારે અસર જોવા મળી હતી. અમુક ખેત મજુરો અને કારખાનાઓમાં કામ કરતા શ્રમિકો તો લોકડાઉનના પ્રથમ તબક્કામાં જ પગપાળા વતનની વાટે ચાલ્યા હતા. જેમ જેમ લોકડાઉન લંબાતું ગયું તેમ તેમ રાજયમાં પરપ્રાંતીય શ્રમિકો ઘરની બહાર આવી રાયોટીંગ કરવા લાગ્યા, સુરત અને અમદાવાદમાં થયેલ દેખાવો અને ત્રુટક હિંસાત્મક બનાવો બાદ આ આગ રાજકોટ સુધી પહોચી ગઈ, જેને લઈને જામનગર પ્રસાસનમાં ક્યાંક ને ક્યાંક શ્રમિકોનો રોષ મેદાને ન આવે તેની ચિંતા થવા લાગી હતી. કલેકટર રવિ શંકર, ડીડીઓ વિપિન ગર્ગ, કમિશનર સતીશ પટેલ, એસપી શરદ સિંઘલ સહિતની વહીવટી અને પોલીસ ટીમ દ્વારા કેન્દ્ર-રાજય અને જે તે રાજ્ય (શ્રમિકોના રાજ્યો)ની સરકારો સાથે તુરંત ચર્ચાઓ કરી તમામને સલામત રીતે વતન પહોચાડવાનું સુચારુ આયોજન કર્યું, જામનગર, દરેડ અને મેઘપર તેમજ પડાણા-સિક્કા આસપાસ કામ કરતા અનેક મજુરોની યાદી તૈયાર કરવામાં આવી, રેલ્વે વિભાગ સાથે સુમેળ સાધી ટ્રેઈનો નક્કી કરવામાં આવી, પ્રસાસને પણ યાદી મુજબ શ્રમિકોને મેસેજ કે ફોન કરી બોલાવી અલગ અલગ દિવસે બિહાર, ઉતરપ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સા સહિતના રાજ્યો સુધી ટ્રેનો ચલાવી, છેલ્લા પખવાડીયામાં જામનગર સ્ટેશન પરથી ૧૬ ટ્રેન દ્વારા અને ખાનગી બસ દ્વારા લગભગ પોણા લાખ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. ટ્રેન રવાના થતા પૂર્વે શ્રમિકોનું મેડીકલ ચેકઅપ, ચા-પાણી નાસ્તા અને સાથે લઇ જવા ભોજનની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. બહોળી માત્રામાં શ્રમિકોને વતન રવાના કરી દેવાયા, એક પણ અનિચ્છનીય બનાવ વગર, વહીવટી, પોલીસ અને આરોગ્ય પ્રસાસનના સુચારુ આયોજનના કારણે આ સંભવ થઇ શક્યું, બીજી તરફ વતન પહોચતા જ શ્રમિકોએ તંત્ર પર પ્રસંસાના ફૂલો વરસાવ્યા છે. દરેડ અને મેઘપર-પડાણા આસપાસ લેબર કોલોનીના અનેક શ્રમિકોએ મેસેજ કરી તંત્રનો દિલથી આભાર માન્યો છે. વહીવટી તંત્ર અને પોલીસે પણ સ્થિતિ સામાન્ય થયે પરત આવી જવા વિનંતી કરી છે.
Comments
Post a Comment