ચિંતા : છેલ્લા ૨૪ કલાકમાં એક જ પરિવારના ચાર સહીત પાંચ દર્દીઓ કોરોનાગ્રસ્ત
જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં કોરોનાના પાંચ કેસ નોંધાતા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગત તા. ૨૧મીના રોજ કાલાવડ ખાતે અમદાવાદથી એક પરિવાર આવ્યો હતો. હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવેલ આ પરિવારના દંપતીના નમૂનાઓ ગઈ કાલે પોજીટીવ આવ્યા હતા, જેને લઈને બંનેને ગઈ કાલે સાંજે જ કાલાવડથી જામનગર ખાતેની કોવીડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. દરમિયાન ગઈ કાલે રાત્રે લાલપુરથી લેવામાં આવેલ એક મહિલાનો નમુનો સવારે પરીક્ષણમાં પોજીટીવ આવતા તેણીને જામનગરની કોવીડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ મહિલા તાજેતરમાં મુંબઈથી લાલપુરના પીપરટોળા ગામે વાડી વિસ્તારમાં આવી હતી અને હોમક્વોરેન્તાઈન હેઠળ રાખવામાં આવી હતી. દરમિયાન આજે બપોર બાદ થયેલ નમૂનાઓના પરીક્ષણમાં કાલાવડના બે બાળકો પોજીટીવ આવતા ચોવીસ કલાકમાં આકડો પાંચ પર પહોચ્યો છે. કાલાવડનું જે દંપતી ગઈ કાલે પોજીટીવ આવ્યું હતું તે દંપતીના આઠ વર્ષના પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી કોરોના પોજીટીવ જાહેર થયા છે. આ પરિવાર અમદાવાદથી આવ્યા બાદ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ હતો જ્યાં કોરોનાના લક્ષણ સામે આવતા તબ્બકાવાર ચારેયના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યાં નમૂનાઓ પોજીટીવ આવતા તંત્ર ઉંધે માથે થયું છે.
Comments
Post a Comment