જીલ્લા પંચાયતના અમુક બાબુઓને ‘સ્માર્ટ’ બની આચરવું હતું ૭૦ લાખનું કૌભાંડ પણ ‘ઢ’ પુરવાર થયા,
જામનગર : જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષણવિભાગના એક
નિર્ણયને લઈને એવો તે હોબાળો થયો કે સતાધારી કોગ્રેસ જુથે ડીડીઓથી માંડી શિક્ષણ વિભાગને
નીચુ જોવા ફરજ પાડી હતી. સતાધારી જૂથના હેમત ખવાએ સમગ્ર પ્રકરણ બોર્ડ સમક્ષ લઇ આવી
જે તે વિભાગના અધિકારીઓ સામે પગલા ભરવાની માંગણી કરી હતી. જીલ્લામાં આવેલ સરકારી
પ્રાથમિક શાળાઓને ‘સ્માર્ટ’ બનાવવા માટે એક સ્કીમ હેઠળ રૂપિયા ૭૦ લાખના ખર્ચે
ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. ‘સ્માર્ટ ક્લાસ’ ની સ્કીમ અંતર્ગત શિક્ષણ વિભાગ
દ્વારા ટેન્ડરમાં ‘એ ટુ ઝેડ’ જરૂરિયાત સાથેનો ગ્રાફ તૈયાર કર્યો હતો. આ ટેન્ડરના
નોર્મ્સ અને પ્રમાણતા અંગે જીલ્લા પંચાયતની ખરીદ કમિટીએ ‘ચકાસણી’ કરી પ્રમાણિત
કર્યું હતું. ખરીદ કમિટીની મંજુરી સાથે રૂપિયા ૭૦ લાખના ખર્ચ દર્શાવતું ‘સ્માર્ટ
કલાસ’ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આ ટેન્ડરમાં દર્શાવવામાં આવેલ નોર્મ્સ
એક જ પાર્ટીને ફાયદો કરાવતા હોવાનું સામેં આવતા સતાધારી જૂથ દ્વારા આંતરિક તપાસ
કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ વિભાગ સ્માર્ટ નહી પણ બુદ્ધિનું પ્રદર્શન કર્યું
હોવાની વિગતો સામે આવી હતી. માત્ર એક જ પાર્ટીને ફાયદો થાય અને એ જ પાર્ટી આ
ટેન્ડર માટે યોગ્ય ઠરે એવા નોર્મ્સ ટેન્ડર બનાવતી વખતે જાણીજોઈને નક્કી કરવામાં
આવ્યા હોવાની જનપ્રતિનિધિ બોડીની ચકાસણીમાં સામે આવ્યું હતું. ત્યારબાદ પુરાવાઓ
સાથે આ પ્રકરણ જનરલ બોર્ડમાં લઇ જવામાં આવ્યું હતું. સતાધારી જૂથના ખવાએ આ પ્રકરણ
અંગે મુદ્દાસર અને તારણો સાથેની દલીલ કરી બોર્ડમાં રજૂઆત કરતા તમામ વહીવટી સ્ટાફ
અનુતર થઇ ગયો હતો, માત્ર ડીડીઓએ આ પ્રકરણની તપાસ કરવામાં આવશે એવી ખાતરી આપી હતી.
એક જ પાર્ટીને આર્થિક ફાયદો થાય તે રીતે ટેન્ડર તૈયાર કરવામાં શિક્ષણ વિભાગ અને તેની
સાથે સંકળયેલ કર્મચારીઓ સામે સીધી આંગળી ચિંધવામાં આવી હતી. જેને લઈને ટેન્ડર
પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ માર્ચમાં જ નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં
આવી હતી જેમાં સાત પાર્ટીઓએ પોતાની દાવેદારી રજુ કરી હતી. તાજેતરમાં આ ટેન્ડરની
ટેકનીકલ બીડ પ્રક્રિયા ખુલી કરવામાં આવી હતી જયારે આગામી સમયમાં ભાવ સબંધિત આર્થિક
બીડ પણ જાહેર કરવામાં આવશે. આમ કોઈ ચોક્કસ પાર્ટીને મોટો આર્થિક ફાયદો કરાવવા પાછળ
વહીવટી વિભાગના અધિકારીઓની મેલી મુરાદ અંગે યોગ્ય ખરાઈ કરવામાં આવે તો અનેક
અધિકારીઓ અને વર્ગ ત્રણ સુધીના કર્મચારીઓના પગ નીચે રેલો આવશે જ. ડીડીઓએ આ
પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે.
Comments
Post a Comment