ફ્રેન્ડશીપ ડે : દોસ્તી એટલે દેવું, લેવું નહીં, દોસ્તી એટલે લાગણી, એ પણ માગણી વગરની

 

દર વર્ષે ઓગસ્ટ મહિનાનાં પહેલા રવિવારે 'વિશ્વ દોસ્તી દિવસઉજવવામાં આવે છે. દોસ્તીની વાત આવે તો સૌથી પહેલાં આપણને બાળપણની જ યાદ આવે જ્યારે આપણે કોઇ પણ ચિંતા કર્યા વગર મિત્રો સાથે મળીને તેમની સાથે મસ્તી કર્યા કરતા. ક્યારેક પતંગબાજી, ક્યારેક અંતાક્ષરી તો ક્યારેક અલગ-અલગ પ્રકારની રમત રમતા. પરંતુ જેમ જેમ મોટા થઇએ તેમ બાળપણનાં દોસ્ત જાણે ખોવાઇ જાય છે.

બધા પોતાના કામમાં વ્યસ્ત થઇ જાય અને હવે માંડ એવું શક્ય બનતું હોય છે કે બાળપણાનાં મિત્ર મોટા થયા બાદ મળી શકતા હોય. જો કે કોરોના કાળમાં ગેટ ટૂ ગેધરથી બચવું જ યોગ્ય છે. ફ્રેન્ડશિપ ડે નો ઉદ્દેશ્ય પોતાના મિત્ર પ્રત્યે સ્નેહ અને આભાર વ્યક્ત કરવાનો છે જે મુશ્કેલ ઘડીમાં તમારો હંમેશા સાથ આપતા હોય છે. કહેવાય છે કે ફ્રેન્ડશિપ ડે પ્રથમ વખત ૧૯૫૮માં પરાગ્વેમાં 'આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ'ના રૂપમાં મનાવવાની રજૂઆત કરવામાં આવી હતી.


જો કે, ત્યારબાદ આ માત્ર ગ્રીટિંગ કાર્ડ લેવા અને દેવા પુરતું જ રહી ગયું. ભારતમાં ફ્રેન્ડશિપ ડે પર ઘણા લાંબા સમયથી ફ્રેન્ડશિપ બેન્ડનું પ્રચલન છે. ફ્રેન્ડશિપ ડે ના દિવસે લોકો એકબીજાને ફ્રેન્ડશિપ બેન્ડ પહેરાવે છે. છેલ્લા બે વર્ષોથી કોરોના મહામારીના કારણે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવા માટે લોકો ઘરે રહીને જ સોશિયલ મીડિયા પર એકબીજાને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી લેતા હોય છે.

એવું જોવા મળ્યું છે કે ફ્રેન્ડશિપ ડે અલગ-અલગ દેશમાં અલગ-અલગ તારીખે મનાવવામાં આવે છે. આમ જોવા જઈએ તો  દોસ્તીનો કોઈ ખાસ દિવસ હોય? દોસ્તીને ઊજવવા માટે કોઈ એક તારીખ પસંદ કરવી પડે? અને જો પ્લાનિંગ કરીને ઊજવવી પડે તો એને દોસ્તી કહેવાય? આપણી પાસે દોસ્તીનાં દાખલા છેક સતયુગથી ઉપનિષદ અને પુરાણો, મહાકાવ્યોમાં જોવા મળે છે. જે કથાઓ આપણને દોસ્તીના નામે સંભળાવવામાં આવે છે એ બધી કથાઓ હૃદયથી હૃદયના સંબંધની કથાઓ છે. ક્યાંય ગણતરી નહીં, ક્યાંક લેવડદેવડ કે અપેક્ષાઓ નહીં.

સુદામા અને કૃષ્ણ હોય કે રામ અને હનુમાન. કૃષ્ણ સુદામાની દોસ્તી તો સૌથી આદર્શ દોસ્તી જણાય છે. દોસ્તી ક્યારેય એકતરફી નથી હોતી.  ગણતરીથી શરૂ કરાયેલી અને સ્વાર્થ માટે ટકાવવામાં આવેલા સંબંધને દોસ્તી ન જ કહેવાય, બીજું જે કહેવાતું હોય તે! આજના સમયમાં આપણી પાસે 'દોસ્તીદ કે 'મિત્રતાદ સિવાયનાં ઘણા સંબંધો છે, પરંતુ જેને 'દોસ્તીદ કહી શકાય એવો એક સાચો, નિ:સ્વાર્થ, શુદ્ધ સંબંધ છે ખરો? મોટાભાગનાં લોકો ના પાડશે! આનું કારણ તપાસીએ તો સમજાય કે આપણે પણ એવો સાચો, પાકો, મજબૂત અને ઠોસ સંબંધ કોઈને આપી શક્યા નથી.

દલીલ કરવા માટે ઘણી થઈ શકે, મોટાભાગનાં લોકો કરે પણ ખરા, પણ સત્ય એ છે કે જો આપણે આપણી પૂર્ણ પ્રામાણિકતાથી કે વિશુદ્ધ વિશ્વાસથી કોઈનાં માટે ઊભા નથી રહી શકતા તો આપણને એવો સંબંધ ઝંખવાનો, માગવાનો કે નહીં મળ્યાની ફરિયાદ કરવાનો અધિકાર નથી. જગત બદલાતું જાય છે.

એક જમાનો હતો કે જ્યારે વડની ડાળે ઝૂલા ખાવા, નદીમાં ધુબાકા મારવાથી શરૂ કરીને ખેતરમાંથી કેરી ને જામફળ ચોરી લેવામાં જેણે આપણી સાથે મજા કરી એને આપણે દોસ્ત માનતા હતા. એ પછીના દસકાઓ સુધી એ વ્યક્તિને મળવાનું ન થાય, પરંતુ એની મધુર સ્મૃતિ આપણા હૃદયમાં અકબંધ રહેતી.  એ સમયના મિત્રો જ્યારે પાછા એકબીજાને મળે ત્યારે પણ એમની એ નિર્દોષ મજા એવી જ મધુર રહી શકતી અને હવેનાં સમયમાં તો રીયલ ફ્રેન્ડસની બદલે રીલ ફ્રેન્ડસ વધતા જાય છે, કોઈ વ્યક્તિનાં સોશિયલ મીડિયામાં લાખો મિત્રો હોય શકે પણ અસલ જિંદગીમાં ગણીને ત્રણ ચાર મિત્રો એવા હોય છે જેની સાથે કોઈ પણ ગણતરી કે તર્ક લગાવ્યા વિના માપી તોળીને વાત કરવાની નથી હોતી. આપણે બધા હવે વ્યક્તિને બદલે વસ્તુમાં ફોકસ કરતા થઈ ગયા છીએ.

માણસ કોણ છે એના બદલે એની પોસ્ટ અને બેન્ક બેલેન્સ શું છે એના પરથી આપણને દોસ્તી કરવી કે નહીં એનો નિર્ણય કરવાની સમજણ પડતી થઈ છે. દોસ્તી એટલે દેવું, લેવું નહીં જ! મૈત્રી એટલે લાગણી, કોઈ માગણી વગરની. દોસ્તી એટલે સ્વાર્થ વગરનું સમર્પણ. મિત્રતા એટલે મનથી મનનો એક એવો સેતુ જેના પર કોણ, કોના તરફ કેટલું ચાલે છે એનું કોઈ માપ ન હોય. મૈત્રી તો અસ્તિત્વનો બારમાસી ઉત્સવ છે તેને ઉજવવાનું કોઈ દિન ન હોય દોસ્તીમાં તો સમગ્ર જીવન સમપત હોય.

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે